રિસર્ચઃ કોરોનાના ડેલ્ટા વેરિયન્ટ કરતા ઓમિક્રોનમાં ફરી સંક્રમિત થવાનો ખતરો 3 ઘણો વધુ

સમગ્ર વિશ્વ ફરી એક વખત કોરોના વાયરસના નવા વેરિયન્ટ એમિક્રોનને લઈ ચિંતામાં છે. વૈજ્ઞાનિકો પણ નવા વેરિયન્ટને લઈને આશ્ચર્યમાં છે. ઓમિક્રોન વેરિયન્ટને લઈ નવી સ્ટડી બહાર આવી છે. દક્ષિણ આફ્રિકામાં આરોગ્ય સંસ્થાઓના જૂથ દ્વારા આ સ્ટડી કરવામાં આવી છે.
આ નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે, નવા ઓમિક્રોન વેરિયન્ટમાં ચેપ લાગવાનું જોખમ ડેલ્ટા અને બીટા વેરિયન્ટ કરતા 3 ગણું વધું છે. એટલે કે જે કોરોનાથી સંક્રમિત થનારા લોકોમાં ચેપ ફેલાવાનું જોખમ વધુ હોઈ શકે છે.
સાઉથ આફ્રિકન સેન્ટર ફોર એપિડેમિયોલોજિકલ મોડેલિંગ એન્ડ એનાલિસિસ (SACEMA) અને નેશનલ સેન્ટર ફોર કોમ્યુનિકેબલ ડિસીઝ (NICD) અનુસાર, આ શોધ ઓમિક્રોનની પૂર્વેના સંક્રમણથી રોગપ્રતિકારક શક્તિને ટાળવાની ક્ષમતા પર આધારિત છે. આ પરિણામ દક્ષિણ આફ્રિકાની સ્વાસ્થ્ય વ્યવસ્થા દ્વારા એકત્ર કરવામાં આવેલા ડેટા પર આધારિત છે. આ ઓમિક્રોન સંક્રમણથી બચવાની ક્ષમતા માટેનો પ્રથમ અભ્યાસ છે.
નવી સ્ટડીમાં માર્ચ 2020થી નવેમ્બર 27 સુધીના નિયમિત મોનિટરિંગ કરાયેલા ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 27 નવેમ્બર સુધીમાં પોઝિટિવ ટેસ્ટવાળા 2.8 મિલિયન લોકોમાંથી 35,670 સંદિગ્ધ ફરી સંક્રમિત થયા. જો કોઈ વ્યક્તિ 90 દિવસની અંદર કોરોનાથી સંક્રમિત થાય છે તો તેને ફરીથી સંક્રમિત માનવામાં આવે છે.