ઓમિક્રોન વેરિયન્ટનો આતંકઃ દક્ષિણ આફ્રિકા પર પ્રતિબંધનો ખતરો, કહ્યું- વિશ્વને આગાહ કરવાની મળી રહી છે સજા

દક્ષિણ આફ્રિકામાંથી કોરોનાનો ખતરનાક ઓમિક્રોન વેરિયન્ટ મળ્યા બાદ વિશ્વના મોટાભાગના દેશોએ નિયંત્રણો લાદવાનું શરૂ કરી દીધું છે. જેને લઈ દક્ષિણ આફ્રિકાનું નિવેદન સામે આવ્યું છે. સ્વાસ્થ્ય મંત્રી જો ફાહલાએ જણાવ્યું કે, દક્ષિણ આફ્રિકા સાથે જે રીતે વ્યવહાર કરવામાં આવી રહ્યો છે, તે ખોટું છે. એડવાન્સ જીનોમ સિક્વેન્સિંગ મારફતે નવા વેરિયન્ટ શોધ કરવાની અમને સજા આપવામાં આવી રહી છે.
અમારી સાથે સાવકા જેવું વર્તન- દક્ષિણ આફ્રિકા
દક્ષિણ આફ્રિકાના વિદેશ મંત્રાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે કોરોનાના નવા વેરિયન્ટને ઝડપથી શોધીને વિશ્વને આગાહ કર્યું છે. આ પ્રકાર ડેલ્ટા વેરિયન્ટ કરતા વધુ ઘાતકી છે. WHOએ તેને ચિંતા જનક ગણાવ્યું છે. અમારી સારી વૈજ્ઞાનિક ટેક્નોલોજીના વખાણ થવા જોઈએ તેની બદલે વિશ્વ અમારી સાથે સોતેલાની જેમ વ્યવહાર કરી રહ્યું છે. વિદેશ મંત્રાલયે ઉમેર્યું કે, કોરોનાની રોકથામ માટે અમે પણ અન્ય દેશ જેટલા જ પ્રયાસો કરી રહ્યા છીએ. અમારી પાસે વિશ્વ કક્ષાના સંસાધનો છે.
પ્રતિબંધોથી અર્થતંત્રને નુકસાન
કોરોનાની પ્રથમ અને બીજી લહેર દરમિયાન લગભગ તમામ દેશોએ પોતાની સરહદો સંપૂર્ણપણે સીલ કરી દીધી હતી. આયાત-નિકાસ પર પણ અનેક નિયંત્રણો લાદી દેવાયા હતા. જેના કારણે વેશ્વિક અર્થતંત્રને મોટો ફટકો પડ્યો હતો. ઉત્પાદન અને કાચા માલની તીવ્ર અછત સર્જાઈ છે. આમાંથી હજી ઘણા દેશો બહાર આવ્યા નથી. ત્યાં ફરી દક્ષિણ આફ્રિકા પર પ્રતિબંધનો ખતરો છે,
ઝડપથી ફેલાઈ રહ્યો છે નવો વેરિયન્ટ
ઓમિક્રોનની પ્રથમ શોધ દક્ષિણ આફ્રિકામાં થઈ હતી. કોરોના વાયરસનો આ નવો પ્રકાર અત્યાર સુધીના તમામ પ્રકારો કરતા વધુ ચેપી હોવાનું માનવામાં આવે છે. મળતી માહિતી પ્રમાણે ઓમિક્રોન અત્યાર સુધી દક્ષિણ આફ્રિકા ઉપરાંત ઈઝરાયલ, બોત્સ્વાના, હોંગકોંગ, બેલ્જિયમ અને અન્ય દેશોમાં પહોંચી ચૂક્યો છે.