ક્યારે થશે કામ?: છેલ્લા 15 વર્ષમાં 4 વખત ખાતમુહૂર્ત થવા છતા સુપ્રસિદ્ધ જૈન તીર્થ સ્થાન શંખેશ્વરના નવા બસ સ્ટેશનની હજી નથી મુકાઈ એકપણ ઈંટ

પાટણ જિલ્લામાં આવેલું જૈન તીર્થ શંખેશ્વર ભારતભરમાં બીજા નંબરનું પ્રસિદ્ધ જૈન તીર્થ સ્થાન માનવામાં આવે છે. અહીં બારેમાસ હજારો યાત્રિકો દેશ-વિદેશથી આવતા હોય છે. જોકે અહીં મુસાફરો માટે વર્ષોથી નવીન બસ સ્ટેશનના નામે માત્ર વાયદા કરવામાં આવી રહ્યા છે. નોંધનીય છે કે 4 વખત નવીન બસ સ્ટેશનનું ખાત મુહૂર્ત થયું હોવા છતા છેલ્લા 15 વર્ષથી નવું બસ સ્ટેશન બની શક્યું નથી.
મહત્વનું છે કે દરેક શહેરમાં બસ સ્ટેશન એ પ્રાથમિક સુવિધા ગણાય છે. પરંતુ શંખેશ્વર ખાતે નવીન બસ સ્ટેશનની કામગીરી વર્ષોથી ખોરંભે ચડી છે. અહીં બસ સ્ટેશનના નિર્માણ માટે લવાયેલો સામાન પણ હવે ભંગાર બની ગયો છે.
તમને જણાવી દઈએ કે, શંખેશ્વર ખાતે જુનુ બસ સ્ટેશન વર્ષ 2004માં દાબણ ઝુંબેશ દરમિયાન તોડી પાડવામાં આવ્યું હતું અને હાઈવે પર કામચલાઉ પતરાના શેડવાળું બસ સ્ટેશન બનાવવામાં આવ્યું હતું. આ સાથે જ નવા બસ સ્ટેશનને બનાવવા માટેની મંજૂરી પણ મળી ગઈ હતી. જે અંતર્ગત બાંધકામ માટે રો મટીરીયલ પણ લાવી દેવામાં આવ્યું હતું. જોકે હજી સુધી નવા બસ સ્ટેશનના નિર્માણ માટે એકપણ ઈંટ મુકવામાં આવી નથી.
ખાસ વાત તો એ છે કે અહીં રાજકીય આગેવાનોએ નવા બસ સ્ટેશન માટે 4-4 વખત ખાતમુહૂર્ત કર્યા છે તેમ છતા કામગીરી ન થતા તમામ સામાન ભંગાર બની ગયો છે. ત્યારે શંખેશ્વરમાં વર્ષોથી ખોરંભે ચડેલી નવા બસ સ્ટેશનની કામગીરીના કારણે મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.