Viral Video: ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું તેમના જ મતક્ષેત્રમાં કર્યું અપમાન!, પાટીલની નેતાઓ સાથેના ખરાબ વર્તનની થવા લાગી ટીકા!

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની એક સ્ટાઈલ હવે ખૂબ જ ફેમસ થઈ રહી છે. તેઓ જ્યારે જ્યારે મંચ પરથી ભાષણ કરવા માટે ઉભા થાય છે ત્યારે પોતાના જ પક્ષના નેતાઓનું અપમાન કરવાનું તેઓ ક્યારેય ભૂલતા નથી. ક્યારેય કોઈ હોદ્દેદારોને કામને લઈ ટકોર કરી દે તો ક્યારેય જાહેર મંચ પરથી ધારાસભ્યો, સાંસદો અને હોદ્દેદારોના નામ ભૂલી જાય તેમનો મતવિસ્તાર ભૂલી જતા હોય છે. ચાલુ ભાષણમાં સી.આર. પાટીલ ધારાસભ્યોના મત વિસ્તાર અને નામ ભૂલી ગયા હોય તેવા અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે. પરંતુ તેઓ મહેસાણામાં જ મહેસાણાના ધારાસભ્યનો મત વિસ્તાર ભૂલી ગયા એ પણ કોણ નીતિન પટેલ…
સી.આર. પાટીલ જ્યારે પ્રમુખ બન્યા ત્યારથી સરકારમાં તેમની સૌથી નજીકના ગણવામાં આવતા હતા તે નીતિન પટેલ છે. નાયબ મુખ્યમંત્રી હતા ત્યારે નીતિન પટેલે સી.આર. પાટીલ સાથે મહેસાણામાં અનેક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમજ નીતિન પટેલ લાંબા સમયથી મહેસાણાથી ધારાસભ્ય હોવા છતાં સી.આર. પાટીલ જ્યારે મંચ પર સ્પીચ આપી રહ્યાં હતા ત્યારે નીતિન પટેલને યાદ કરતા કહ્યું હતું કે, આપણા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પછી તેમના વિધાનસભા વિસ્તાર અંગે બોલતા પાટીલ પૂછવા લાગ્યા કે અસારવાથી ધારાસભ્ય છે ને પરંતુ તેઓ જાણતા હતા કે નીતિન પટેલ મહેસાણાથી ધારાસભ્ય છે. આ એક પ્રકારે પાટીલે ધારાસભ્ય અથવા તેમને ન ગમતા હોય તેવા લોકોને અપમાનિત કરવાની એક રીત જ બનાવી લીધી છે. પાટીલની આ હરકતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અને ગુજરાતના રાજકીય વર્તુળોમાં તેને નીતિન પટેલના ભયંકર અપમાન તરીકે જોવામાં આવી રહ્યો છે.
સી.આર. પાટીલ આવું એક વખત નહી પરંતુ અનેક વખત કરી ચૂક્યા છે. ક્યારે એમના ટાર્ગેટ પર નીતિન પટેલ હોય કે પછી બીજા ધારાસભ્યો પણ તેમના જ વિસ્તારમાં ઉભા રહીને ભાષણ કરતા હોય ત્યારે ધારાસભ્યોના નામ ભૂલી જવા અથવા તેમનો મત વિસ્તાર ભૂલી જવો એ ધારાસભ્ય માટે ખૂબ જ અપમાનજનક સ્થિતિ કહી શકાય. પાટીલ આવું ભૂલથી કરે છે કે જાણી જોઈને તે તેઓ જ જણાવી શકે. પરંતુ પાટીલની આ હરકતોને લઈ તેમની ટીકા ભાજપમાં થવા લાગી છે. અથવા જે ધારાસભ્યોનું આવું અપમાન કરવામાં આવી રહ્યું છે તેઓ તેમનાથી નારાજ છે. ભલે હાલમાં પાટીલ પ્રદેશ પ્રમુખ હોવાથી તેમની સામે નથી બોલી શકતા પરંતુ જ્યારે તેઓ દિલ્હીમાં અમિત શાહ કે નરેન્દ્ર મોદીને મળતા હોય છે ત્યારે પાટીલ વિરુદ્વ ચોક્કસથી ચર્ચા કરતા હોવા જોઈએ.
સી.આર. પાટીલની હરકતો આટલાથી જ નથી અટકતી પરંતુ કોઈ નેતા પ્રદેશમાંથી તેમની આગળ નિકળી ન જાય તે માટે છાશવારે નેતાઓના અપમાન કરતા રહે છે. તાજેત્તરમાં પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે એક મોરચાની બેઠકમાં પણ રાજસ્થાનમાં મોરચા પ્રભારીનું નામ ભૂલી ગયા હતા ત્યારે પણ પ્રદેશમાં આંતરિક નારાજગી થઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. પ્રદેશ કાર્યાલય અને કાર્યક્રમમાં પણ પાટીલ નેતાઓ સાથેના વર્તનને લઈ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ક્યારેક કાર્યકર્તાઓનું નામ લઈને નેતાઓને અપમાનિત કરવાની પાટીલ એક પણ તક ચૂકતા નથી.
મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp ના શુભહસ્તે તથા પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil ની ઉપસ્થિતિમાં મહેસાણા જિલ્લાના વિવિધ વિકાસલક્ષી કાર્યોનો લોકાર્પણ તથા શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો. pic.twitter.com/libkW4tzkr
— BJP Gujarat (@BJP4Gujarat) October 29, 2021
સી.આર. પાટીલે હવે નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલથી પણ નારાજ હોવાની વાત સામે આવી રહી છે. ભૂપેન્દ્ર પટેલને હાઈકમાન્ડે મુખ્યમંત્રી બનાવતા પાટીલ નારાજ છે. જાહેર મંચ પર હવે તેઓ મુખ્યમંત્રીને કાબુમાં રાખવા પડે છે તેવા નિવેદન આપી રહ્યાં છે. ભલે તેઓ તેમાં ભૂપેન્દ્ર પટેલની ભલાઇની વાત કરતા હોય છે. પરંતુ મહેસાણામાં તેમણે ભૂપેન્દ્ર પટેલ અંગે વાત કરતા કહ્યું હતું કે, આપણા મુખ્યમંત્રી ખૂબ ભોળા માણસ છે તેમને હાથ પકડીને ચલાવવા પડે છે. તેઓ કામ માટે થઈને કોઈને પણ હા પાડી બેસે છે. પાટીલની આ વાતો પરથી સ્પષ્ટ થાય છે કે, તેઓ ભૂપેન્દ્ર પટેલને રિમોટ કંટ્રોલની જેમ ચલાવવા માગે છે. અથવા તેઓ એવું દર્શાવવા માગી રહ્યાં છે કે ગુજરાત સરકાર તેઓ જ ચલાવી રહ્યાં છે.
સી.આર. પાટીલ ઘણા મહત્વાકાંક્ષી નેતા છે. ગુજરાતના મુખ્યમંત્રી બનવા માટે તેમને ભરપૂર પ્રયાસ કર્યા. પરંતુ એક મહત્વાકાંક્ષી નેતાના હાથમાં ગુજરાતની કમાન સોંપવાથી શું થઈ શકે તે નરેન્દ્ર મોદી અને અમિત શાહ સારી રીતે જાણે છે. તેથી તેમણે સમગ્ર રીતે પોતાના કંટ્રોલમાં રહે તેવા ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવી પાટીલ પર એક રીતે લગામ લગાવી દીધી છે. પરંતુ તેમ છતાં પાટીલ હંમેશ નેતાઓ અને આગેવાનો સાથે એવું અપમાનજનક વર્તન કરતા રહે છે જેથી તેઓ સુપર પાવર હોય તેવું દર્શાવી રહ્યાં છે. પરંતુ રાજકીય વર્તુળોમાં સી.આર. પાટીલની ચર્ચાઓ થવા લાગી છે. રાજકીય પંડિતો પણ પાટીલની નેતાઓ સાથેના ખરાબ વર્તનની વાતોની ટીકા થવા લાગી છે. કોઈ પણ નેતા માટે પોતાના વિસ્તારમાં અલગ અને આગવી ઓળખ અને પકડ હોય છે ત્યારે પક્ષ પ્રમુખ દ્વારા તેમના અંગે માહિતીનો અભાવ હોવો તે કોઈ પણ પક્ષ માટે ઘાતક સાબિત થઈ શકે છે. અથવા તો તે નેતા જ પોતાના પક્ષની વિરુદ્વમાં જઈ શકે તેવી પણ પરિસ્થિતિ ઉભી થઈ શકે છે.