પાટણનો આજે 1276મો સ્થાપના દિવસઃ ઐતિહાસિક નગરી અને સંસ્કૃતીનું ઉતમ ઉદાહરણ એટલે પાટણ, જાણો તેના વિશે કેટલીક રોચક વાતો

 પાટણનો આજે 1276મો સ્થાપના દિવસઃ ઐતિહાસિક નગરી અને સંસ્કૃતીનું ઉતમ ઉદાહરણ  એટલે પાટણ, જાણો તેના વિશે કેટલીક રોચક વાતો
Share

આજે મહાવદ સાતમ એટલે પાટણનો સ્થાપના દિવસ.રાજા વનરાજ સિંહ ચાવડાએ વિક્રમ સવંત 802ને મહાવદ સાતમના પાટણની સ્થાપના કરી હતી. અને વિક્રમ સવંત 802 થી 998 એમ 196 વર્ષ સુધી ચાવડા વંશે પાટણ પર રાજ કર્યું હતું. જેમાં અણહીલ, ખેમજ, ભુવડ જેવા વંશ થઈ ગયા. જે બૃહદ ગુજરાત તરીકે ઓળખાતું હતું. ત્યારબાદ મુળરાજ રાજ સિંહ સોલંકીએ પાટણની ગાદી હસ્તક કરી સોલંકી વશની સ્થાપના કરી હતી સોલંકી વંશમાં ભીમદેવ તેમજ સિધ્ધરાજ જયસિંહ જેવા સમર્થ રાજાઓએ રાજ કર્યું અને આમ પાટણ સાડા 500 વર્ષથી પણ વધુ ગુજરાતનું પાટનગર રહી ચુક્યું છે.

ઐતિહાસિક નગરી અને સંસ્કૃતીનું ઉતમ ઉદાહરણ પાટણ

સોલંકી વંશના સમયગાળામાં અનેક સ્થાપત્યો બંધાયા હતા. જેને આજનો વર્તમાન યુગ સોલંકી શાસનનો સુર્વણ યુગ ગણે છે. તે વિરાસતો પૈકી અનેક પ્રાચીન સ્મારકો અને મંદિરો આજે પણ અડીખમ ઉભા છે. આમ પાટણ એ ઐતિહાસિક નગરી અને સંસ્કૃતીનું ઉતમ ઉદાહરણ પણ પૂરું પડે છે. જેમાં વર્લ્ડ હેરીટેજમાં સ્થાન પામનાર રાણીની વાવ, સહસ્ત્રલિંગ તળાવ, શહેરની સુરક્ષા માટે ઉભીં કરાયેલ ચારેય તરફની પ્રાચીન દીવાલ કોટ બાર દરવાજા અને અનેક ઐતિહાસક પુરાવાને લઈ પાટણને આજે પણ ઐતિહાસિક નગરી તરીકે ઓળખવામાં આવે છે.

એક વિરાસત સમાન સહસ્ત્રલિંગ તળાવ

સિદ્ધરાજ જયસિંહે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, કાઠીયાવાડ, કચ્છ અને માળવાને પણ જોડ્યા હતા. ઉત્તરમાં અજમેર સુધી, દક્ષિણમાં કોલાપુર અને પૂર્વમાં બુંદેલખંડ સુધી પાટણની આણ વર્તાતી હતી. સિદ્ધરાજ જયસિંહે સિદ્ધપુરમાં રુદ્ર મહાલય ફરી બંધાવ્યો અને પાટણમાં અતિભવ્ય સહસ્ત્રલિંગ તળાવ બનાવ્યુ હતું. વિરાસતનું બીજું સ્થાપત્ય એટલે સહસ્ત્રલિંગ તળાવ. જેના અવશેષો આજે પણ જોવા મળે છે. આ સરોવર સિદ્ધરાજ જયસિંહે માળવા પર ચડાઈ કરી તે પહેલાં બનાવવાની શરૂઆત કરી હતી અને અવંતિકા વિજય પછી તેનું કામ પૂરું થયું હતું. બાણાસુરે નર્મદા નદીના અમર કંટકમાં પધરાવેલા 1008 બાણ લિંગને લઈને સીધા જ અહીં આવીને સરોવરના કાંઠે શિવ મંદિર બનાવીને પ્રસ્થાપિત કરાયા હતા.

ઐતિહાસિક રાણકી વાવ

ગુજરાતની પ્રાચીન પાટનગરી પાટણની અદભૂત અને ઐતિહાસિક રાણકી વાવ કે જે વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામી છે. પાટણવાસીઓ તળપદી ગુજરાતીમાં તેને રાણ કી વાવ કહે છે તે રાણીની વાવ પાટણના કાળકા દરવાજાની બહાર જૂના નગર વિસ્તારમાં વિદ્યમાન છે.રાણકી વાવના કારણે પાટણના પ્રવાસન ઉદ્યોગમાં તેજી આવી છે. ઈતિહાસના ઉલ્લેખો મુજબ, રાજવી ભીમદેવ પ્રત્યેના અસીમ તેમજ અમીટ પ્રેમને રાણી ઉદયમતીએ વાવ સ્વરૂપે અમર બનાવ્યો હતો. 7 માળની આ વાવ 64 મીટર લાંબી, 20 મીટર પહોલી અને 27 મીટર ઉંડી છે. રેતિયા પથ્થર પર કોતરણી કરી બેનમુન કલાકૃતિ તેમજ થાંભલાઓથી આ વાવને શણગારવામાં આવી છે. રેતીયા પથ્થરના આ શિલ્પો કોતરણીઓ આજે પણ અકબંધ છે. આ વાવની કલ્પના કરવી પણ અઘરી છે જેને તે સમયે બનાવવામાં આવી હતી. ઈતિહાસની નોંધ લઈએ તો સોલંકી રાજાઓએ અણહિ‌લવાડ રાજ્યમાં 7,224 જેટલી વાવો તેમજ 5,125 જેટલા તળાવોનું નિર્માણ કરાવ્યું હતું. જેમાં રાણીની વાવ રાજધરાનાના ઉપયોગની મિલકત હતી.

પાટણની આગવી ઓળખ પટોળા

ઐતિહાસિક નગર પાટણની ઓળખ પાટણનું પટોળુ છે. કહેવાય છે કે, પાટણના પટોળાની કળાએ 900 વર્ષ પુરાણી છે. પહેલાના જમાનામાં ડિઝાઈન વાળું કપડું બનાવવાની કોઈ પદ્ધતિ ન હતી. એ જમાનામાં બાંધણી પર કલર કરવાની કળા પાટણના સાલવી પરિવારોએ તેમની આગવી કોઠા સુઝથી બનાવી હતી. પોતાની આ કલાએ તેઓેને વિશ્વમાં એક આગવી ઓળખ અપાવી છે. કુમારપાળ રાજાએ 900 વર્ષ પહેલાં 700 સાલવી પરિવારોને પાટણ લાવી પટોળા બનાવવાની શરૂઆત કરી હતી. પાટણના પટોળાની તસવીર ધરાવતી પાંચ રૂપિયાની પોસ્ટલ સ્ટેમ્પ ભારતીય પોસ્ટલ વિભાગે નવેમ્બર 2002માં રિલીઝ કરી હતી.

ઈજિપ્તના રાજાનો ખજાનો દટાયેલો છે પાટણમાં

પાટણના જુના બાદીપુર ગામની સીમામાં ઈજિપ્તના રાજાએ પોતાનો ખજાનો ભૂગર્ભમાં દાટ્યો હોવાનો દાવો થઈ રહ્યો છે. ભેમોસણ ગામના રહેવાસી અને પાટણના વેપારી સોવનજી જીવણજી ઠાકોર અને નટુજી ઠાકોરના અનુસાર તેમના માયા પરિવારના પૂર્વજો ઈજિપ્તમાં રહેતા હતા. ત્યાંના રાજવીઓનાં ખજાનાનું રક્ષણ કરતા હતા. જ્યારે ઈજિપ્ત શાસન તબક્કાવાર નાશ પામવા લાગ્યું ત્યારે રાજાએ માયા રક્ષકોને ખજાનો અને તેની ચાવી સોંપી દીધી હતી. જે ખજાનો જુના બાદીપુરની જગ્યામાં તેમની જમીનમાં ભૂગર્ભમાં સંતાડેલા હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો. આ ઉપરાંત આ ખજાનાની ચાવી તેમની પાસે હોવાનો દાવો પણ ઠાકોર પરિવાર કરી રહ્યો છે.

ફેન્સી મીઠાઈઓ વચ્ચે 200 વર્ષનો ઈતિહાસ ધરાવતા દેવડા

પાટણ તેની એક ખાસ મિષ્ઠાન માટે પણ વિશ્વમાં પ્રખ્યાત છે. એ મિષ્ઠાનનું નામ છે દેવડા. દિવાળી અને તહેવારની સીઝનમાં ફેન્સી મીઠાઈના વધતાા ચલણ વચ્ચે પાટણના દેવડાની મીઠાશ આજે પણ અકબંધ છે.પાટણમાં વરસાદના વધતા-ઓછા પ્રમાણને લીધે પશુપાલન અને ડેરી ઉદ્યોગ સારી રીતે વિકસી શક્યો નહોતો, ત્યારે દૂધની ઊણપને લક્ષમાં લઈને દૂધ વિનાની મીઠાઈ તરીકે દેવડાનો આવિષ્કાર થયેલો. હવે તો દેવડા કેસર, ચોકલેટ, બદામ-પિસ્તા અને બટરસ્કોચ જેવી વિવિધ ફ્લેવર્સમાં પણ બને છે.

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *