રાજ્યમાં વાદળછાયું વાતાવરણ અને પવનની ગતિ વધી, જોકે 41 ડિગ્રી ગરમી અને અસહ્ય બફારાથી લોકો ત્રાહિમામ

રાજ્યમાં છેલ્લા 2-3 દિવસથી વાદળછાયું વાતાવરણ અને પવનની ગતિ વધી છે પરંતુ કેટલાક જ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. હજી મોટભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી જોવા મળી રહ્યું છે. આ અસહ્ય ગરમી અને બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
આ વચ્ચે હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી 5 દિવસમાં ચોમાસાની ગતિવિધિ ઝડપથી વધશે અને 15 જૂન આસપાસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે. તો 25 જૂન સુધીમાં રાજ્યમાં ચોમાસું બેસી જશે. દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમના પવનોને કારણે ગુજરાતમાં પનનની ઝડપ વધશે અને પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે.
હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ અમરેલી, વડોદરા, ભાવનગર, સુરત, જૂનાગઢ, ભરૂચ, વલસાડ, ડાંગ, તાપી, રાજકોટ અને ગીર-સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, ચોમાસા પહેલા રાજ્યમાં વીજળી પડવાના કારણે અત્યારસુધીમાં 4 લોકોનાં મૃત્યું નિપજ્યા છે.
હવામાન વિશેષજ્ઞએ જણાવ્યું કે, રાજ્યમાં આગામી 2-3 દિવસમાં દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમના પવનો શરૂ થઈ જશે. જેના કારણે વાદળોનું પ્રમાણ વધવાની સાથે ભેજનું પ્રમાણ પણ વધશે અને રાજ્યના ચોમાસાની આગમનની શક્યતા છે.