સરાહનીય પહેલઃ માર્ગ અકસ્માતમાં લોકોના જીવ બચાવવા કેન્દ્ર સરકારની નવી યોજના, ગોલ્ડન અવરમાં ગંભીર ઈજાગ્રસ્તને હોસ્પિટલ પહોંચાડનાર વ્યક્તિને 5 હજારનું ઈનામ

 સરાહનીય પહેલઃ માર્ગ અકસ્માતમાં લોકોના જીવ બચાવવા કેન્દ્ર સરકારની નવી યોજના, ગોલ્ડન અવરમાં ગંભીર ઈજાગ્રસ્તને હોસ્પિટલ પહોંચાડનાર વ્યક્તિને 5 હજારનું ઈનામ
Share

માર્ગ અકસ્માતમાં લોકોના જીવને લઈ સરકાર ઘણા સમયથી ચિંતિત હતી. ત્યારે વધુમાં વધુ લોકોના જીવ બચાવી શકાય એ માટે કેન્દ્રની મોદી સરકારે નવી યોજના બહાર પાડી છે. જે 15 ઓક્ટોબરથી 31 માર્ચ 2026 સુધી અમલી રહેશે. કેન્દ્ર સરકારના રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય દ્વારા આ યોજના લોન્ચ કરવામાં આવી છે.

આ યોજના હેઠળ વાહન અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત વ્યક્તિને ગોલ્ડન અવરમાં પહોંચાડનાર કે હોસ્પિટલે પહોંચાડવામાં મદદ કરનારી વ્યક્તિને 5 હજાર રૂપિયાની ઈનામી રકમ અને સર્ટિફિકેટ આપવામાં આવશે. અકસ્માતમાં જીવ બચાવવામાં મદદગાર વ્યક્તિને વર્ષમાં મહત્તમ 5 વખત ઈનામી રકમ મળશે.

મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી ગાઈડલાઈન પ્રમાણે, માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્તોને બચાવનાર માટે 10 રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ પણ આપવામાં આવશે. દેશભરમાંથી આવનારા નામોમાંથી પસંદ કરાયેલ 10 પ્રત્યેક વ્યક્તિને 1 લાખનું ઈનામ આપવામાં આવશે.

ગોલ્ડન અવર એટલે શું ?

મોટર વ્હીકલ એક્ટની કલમ 2(12એ) મુજબ, અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલને એક કલાકમાં હોસ્પિટલ પહોંચાડાય તો એને ગોલ્ડન અવર કહે છે. આ એક કલાકનો સમય એવો છે, જેમાં ઇજાગ્રસ્તને સારવાર મળે તો જીવ બચવાની શક્યતા મહત્તમ હોય છે.

મદદ કરનારી વ્યક્તિની પસંદગીના ધોરણે કયા છે?

ઈજાગ્રસ્તોના અકસ્માતની પોલીસને જાણ કરનારી વ્યક્તિ મદદ પહોંચાડે પછી પોલીસ ડોક્ટર પાસેથી વિગતો મેળવી લેટર પેડ પર મદદ કરનારી વ્યક્તિનું નામ, સરનામું અને મોબાઇલ નંબર, અકસ્માતનું સ્થળ, સમય નોંધી મદદ કરનારી વ્યક્તિએ કેવી અને કેટલી હેલ્પ કરી એની નોંધ સાથેનું સર્ટિફિકેટ તૈયાર કરી સંબંધિત ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને મોકલશે.

દર વર્ષે માર્ગ અકસ્માતમાં લાખો લોકો ગુમાવે છે જીવ

મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં દર વર્ષે વાહનોની સંખ્યા 10 ટકાના દરે વધતા અકસ્માતો પણ વધી રહ્યા છે. ત્યારે માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્તોને બચાવવાના હેતુસર આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, દેશમાં દર વર્ષે લગભઘ 5 લાખ રોડ અકસ્માતની દુર્ઘટનાઓ ઘટે છે. જેમાં લગભગ 1.5 લાખ લોકો જીવ ગુમાવે છે.

કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ તમામ સ્ટેક હોલ્ડર્સને રોડ અકસ્માતમાં થતા મૃત્યુની સંખ્યા ઘટાડવા માટે યોગ્ય પગલાં લેવાનું કહ્યું છે. જ્યારે 2025 સુધીમાં રોડ અકસ્માતમાં થનારા મોતમાં 50 ટકાનો ઘટાડો થાય તેવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *