ગુજરાતમાં 4 દિવસ બેંક રહેશે બંધઃ ગુજરાત બેંક કર્મચારીઓ ખાનગીકરણના વિરોધમાં કરશે હડતાળ, 25 હજાર કરોડના વ્યવહાર ખોરવાઈ જવાનો અંદાજ

બેન્કોના ખાનગીકરણને લઈને છેલ્લા ઘણા સમયથી વિરોધના સૂર ઉઠી રહ્યા છે. પરિણામે 28 અને 29 માર્ચના રોજ બેંકોની બે દિવસીય હડતાળની જાહેરાત કરવામાં આવી છે. ઓલ ઈન્ડીયા બેન્ક એમ્પલોયી એસોસીએશનના નેજા હેઠળ બેંક કર્મચારી કામથી અળગા રહેશે.
અગાઉ પણ અનેક વખત બેન્કોમાં હડતાળ પાડીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ત્યારે હવે ફરી એકવાર બેન્કના કર્મચારીઓ આક્રમક મોડમાં જોવા મળશે. નેશનલાઈઝ બેંકોના કર્મચારીઓ ફરી એકવાર 28 અને 29 માર્ચ એમ બે દિવસ રાષ્ટ્રવ્યાપી હડતાળ પર ઉતરશે.
બેન્ક કર્મચારીઓના યુનિયને 28-29 માર્ચે હડતાળની જાહેરાત કરી છે. આ પહેલાં શનિ, રવિની રજા આવે છે અને ત્યાર બાદ સોમવાર અને મંગળવારે હડતાળના કારણે 4 દિવસ સળંગ બેન્કના કામકાજ બંધ રહેશે. આ હડતાળમાં રાજ્યની 3665 નેશનલાઇઝ બેન્કના 40 હજાર કર્મચારીઓ જોડાશે. 4 દિવસ બેન્ક બંધ રહેતા રાજ્યના આશરે 25 હજાર કરોડના આર્થિક વ્યવહારો ખોરવાઈ જવાનો અંદાજ છે.
મહત્વનું છે કે કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2022 માટે બે સરકારી બેન્કો અને એક વિમા કંપનીનું ખાનગીકરણ કરીને 1.75 લાખ કરોડ રૂપિયા મેળવવાનું લક્ષ્ય રાખ્યું છે. જાણવા મળી રહ્યું છે કે નેશનલાઇઝ બેન્કના કર્મચારીઓની 8 માગણીઓ મુદ્દે બેન્ક કર્મચારી સાથે સેન્ટ્રલ ટ્રેડ યુનિયન તથા સ્વતંત્ર ફેડરેશનના સભ્યો પણ જાહેર ક્ષેત્રોને મજબૂત બનાવવા હડતાળમાં જશે.