Twitter: ટ્વિટર પર અચાનક ફેરફારથી લાખો યુઝર્સ પરેશાન, CEO પરાગ અગ્રવાલને ટેગ કરીને કરી રહ્યા છે ફરિયાદ

ટ્વિટરના CEO બનતાની સાથે જ પરાગ અગ્રવાલ ઘણી નવી પોલિસી લાવી રહ્યા છે. તેમણે 29 નવેમ્બરના રોજ CEO તરીકેનો કાર્યભાળ સંભાળ્યાના બે દિવસ બાદ એટલે ક 1 ડિસેમ્બરના રોજ વ્યક્તિગત માહિતી સુરક્ષા નીતિ અપડેટ કરી દીધી છે.
આ દરમિયાન ગુરૂવારે અચાનક લાખો ટ્વિટર વપરાશકર્તાઓએ ફોલોઅર્સની સંખ્યામાં ઘટાડો થવાની ફરિયાદ કરવાનું શરૂ કર્યું છે. ટ્વિટરે ઘણા વેરિફાઈડ યુઝર્સ પાસેથી બ્લુ ટિક પણ પાછું લઈ લીધું છે. ટ્વિટર પર અચાનક આ ફેરફારથી યુઝર્સ પરેશાન થઈ ગયા છે.
લોકો ટ્વિટર હેલ્પ ડેસ્ક અને CEO પરાગ અગ્રવાલને ટેગ કરીને આ અંગે ફરિયાદ કરી રહ્યા છે. જોકે હજી સુધી ટ્વિટર તરફથી આ મામલે કોઈ પણ જાતની સ્પષ્ટતા કરવામાં આવી નથી કે ફોલોઅર્સની સંખ્યામાં અચાનક ઘટાડો થવાનું કારણ શું છે?
શું ફેક એકાઉન્ટ પર થઈ રહી છે કાર્યવાહી ?
ફોલોઅર્સમાં અચાનક ઘટાડો થવાને કારણે જ્યાં એક તરફ લોકો પરેશાન છે, તો બીજી તરફ તેના વિશે તમામ પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. આ મામલે નિષ્ણાંતોનું માનવું છે કે, આ અચાનક બદલાવનું ચોક્કસ કારણ માત્ર ટ્વિટર જ કહી શકે છે. જોકે શક્ય છે કે ટ્વિટરે ફેક અકાઉન્ટ પર કાર્યવાહી શરૂ કરી દીધી હોય. આ કારણે તે અકાઉન્ટ્સ સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે જે ટ્વિટરના નિયમો હેઠળ ન હોય. જો એમ હોય તો આ એક મોટું અને સકારાત્મક પગલું છે. ટ્વિટર પરથી ફેક અકાઉન્ટ હટવાથી ફેક ન્યૂઝ અને પોસ્ટ્સ બંધ થઈ જશે.
સુરક્ષા નીતિમાં બદલાવ
અગાઉ મંગળવારે ટ્વિટરે તેની અંગત માહિતી સુરક્ષા નીતિ અપડેટ કરી હતી. આનાથી અન્ય કોઈને તેમની સહમતિ વિના ખાનગી વ્યક્તિઓના ફોટા અથવા વીડિયો શેર કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. કંપનીએ એક બ્લોગ પોસ્ટ દ્વારા માહિતી આપી હતી કે કંપની હવે ખાનગી મીડિયામાં ફોટા અને વીડિયોનો સમાવેશ કરવા માટે તેની વ્યક્તિગત માહિતી નીતિનો વિસ્તાર વધારી રહી છે.
અત્યાર સુધી કોઈપણ યુઝર તેની પરવાનગી વિના અન્ય યુઝરના વીડિયો અને ફોટા મોકલી શકતા હતા. ફોટો અને વીડિયો અંગે કંપની દ્વારા લેવામાં આવેલા નિર્ણયનો હેતુ ઉત્પીડન વિરોધી નીતિઓને વધુ મજબૂત બનાવવા અને મહિલા વપરાશકર્તાઓને સુરક્ષિત રાખવાનો છે.