હનુમાન જયંતીઃ સાળંગપુરમાં દાદાના જન્મોત્સવની રંગેચંગે કરાશે ઉજવણી, લોકડાયરા સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન

16 એપ્રિલે હનુમાન જયંતિ છે. ત્યારે બે વર્ષ બાદ સાળંગપુરના શ્રીકષ્ટભંજનદેવ મંદિરમાં હનુમાનજયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. જેને લઈ મંદિરના સંતો દ્વારા વિશેષ તૈયારીઓ કરી લેવામાં આવી છે.
કહેવામાં આવી રહ્યું છે કે અંદાજે 10 લાખથી વધુ દર્શનાર્થીઓ હનુમાન જયંતીના દિવસે સાળંગપુર મંદિરે આવી શકે છે. ત્યારે દર્શનાર્થીઓને કોઈ મુશ્કેલી ના થાય તે માટે મંદિર પરિસરમાં રહેવા તથા જમવાને લઈ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ સિવાય એકસાથે 10 હજારથી વધુ વાહન પાર્ક થઈ શકે તે માટે 6 વિશાળ પાર્કિંગ એરિયા બનાવવામાં આવ્યા છે. હનુમાન દાદાના જન્મોત્સવની અહીં રંગેચંગે ઉજવણીને લઈ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
15 એપ્રિલને શુક્રવારે નરાયણ કુંડથી મંદિરના પરિસર સુધી પંચમુખી હનુમાનજીની હાથી પર ભવ્ય શોભા યાત્રા નિકળશે. આ શોભાયાત્રામાં હજારો બહેનો મસ્તક પર દાદાના અભિષેકનું જળ ધારણ કરશે. આ શોભાયાત્રામાં સંતો દ્વારા 251 કિલો ફૂલ અને 25 હજાર કિલો ચોકલેટનો દર્શનાર્થીઓ પર વરસાદ કરાશે.
15 એપ્રિલના રોજ રાત્રે ભવ્ય લોકડાયરાનું આયોજન કરાશે. 16 તારીખે એટલે કે, હનુમાન જયંતીના દિવસે દાદાના દરબારમાં પંચમુખી સમુહ મારુતી યજ્ઞ યોજાશે. દેશના વિવિધ પ્રાંતમાંથી આવેલા 50થી વધુ બ્રાહ્મણો આ યજ્ઞ કરાવશે.