કોંગ્રેસને લાગી શકે છે વધુ એક ઝટકો: કોંગ્રેસના મહિલા આગેવાન શ્વેતા બ્રહ્મભટ્ટે PM મોદી સાથે કરી મુલાકાત

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ચાલુ વર્ષના અંત સુધીમાં યોજાવાની છે. ત્યારે આ પહેલા જ રાજકીય પક્ષો પણ ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે અને તોડજોડની રાજનીતિ પણ શરૂ થઈ છે. હાલમાં પાર્ટીઓમાં ભરતીમેળો શરૂ થઈ ગયો છે.
આ વચ્ચે કોંગ્રેસને વધુ એક ઝટકો લાગે તેવી શક્યતા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે કોંગ્રેસના મહિલા આગેવાન શ્વેતા બ્રહ્મભટ્ટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
સોમવારે સાંજે રાજભવનમાં પીએમ મોદી સાથે શ્વેતા બ્રહ્મભટ્ટે મુલાકાત કરી હતી. જેની તસવીર પણ સામે આવી છે. આ સાથે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને અટકળોનું બજાર ગરમાયું છે. માનવામાં આવી રહ્યું છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ફટકો પડી શકે છે. પીએમ સાથેની મુલાકાત બાદ હવે શ્વેતા બ્રહ્મભટ્ટ ભાજપ સાથે જોડાય તેવી અટકળો ચાલી રહી છે.
મહત્વનું છે કે, વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં શ્વેતા બ્રહ્મભટ્ટ મણિનગર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર હતા. તેમના પિતા પણ છેલ્લા 40 વર્ષથી રાજકારણમાં સક્રીય છે. બે વખત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચુંટણી જીતી ચુક્યા છે.
શ્વેતા બ્રહ્મભટ્ટે વર્ષ 2003માં BBA, વર્ષ 2006માં MCA, વર્ષ 2012માં IIMમાંથી ઈન્ડિયા વુમન ઈન લિડરશીપ, વર્ષ 2013માં ફેલો એન્ટરપ્રેન્યોરશીપ, અને વર્ષ 2016માં એન્ટરપ્રેન્યોરશીપ ડેવલોપમેન્ટ પ્રોગ્રામનો અભ્યાસ કરેલો છે.