નારી શક્તિઃ જાણો પરદા પ્રથા સામે અવાજ ઉઠાવનાર એ મહિલાની સંઘર્ષની કહાની

 નારી શક્તિઃ જાણો પરદા પ્રથા સામે અવાજ ઉઠાવનાર એ મહિલાની સંઘર્ષની કહાની
Share

ભારતમાં મહિલાઓને લઈને ઘણી કુપ્રથાઓ ચાલી રહી છે. જોકે સમયની સાથે બદલાવ આવતા ઘણા રિવાજો, રૂઢિપ્રથાઓનો અંત આવી ગયો છે. પરંતુ આ સ્થાન સુધી પહોંચવા માટે સખત સંઘર્ષ કરવો પડ્યો છે. બાળલગ્ન, સતી પ્રથા, પરદા પ્રથાને ખતમ કરવામાં ઘણા વર્ષોની મહેનત લાગી છે.

આજે આપણે એક એવી મહિલા વિશે જાણીશું કે જેમણે પરદા પ્રથાના બંધનોમાંથી મુક્તિ માટે ઘણો સંઘર્ષ કર્યો છે. આજના સમયમાં મહિલાઓ પોતાની મનપસંદના કપડા પહેરવાની આઝાદી ધરાવે છે. ચહેરો છુપાવ્યા વિના કોઈની પણ સામે બેરોકટોક આવીને જઈ શકે છે. મહિલાઓને તેમનો આ અધિકાર અપાવવા માટે ચંદ્રપ્રભા સૈકિયાનીની વિશેષ ભૂમિકા રહેલી છે.

કોણ હતા ચંદ્રપ્રભા સૈકિયાની?

ચંદ્રપ્રભા સૈકિયાનીનો જન્મ 16 માર્ચ 1901ના રોજ આસામમાં થયો હતો. તેમનો પરિવાર આસામના કામરૂપ જિલ્લાના દોઈસિંગારી ગામમાં રહેતો હતો. ચંદ્રપ્રભાના પિતાનું નામ રતિરામ મજુમદાર હતું, જેઓ ગામના વડા હતા. શરૂઆતથી જ ચંદ્રપ્રભા અભ્યાસમાં હોંશિયાર હતી. તેમના પિતાએ તે સમયગાળા દરમિયાન પણ તેમની પુત્રીના શિક્ષણનો આગ્રહ રાખ્યો હતો. ચંદ્રપ્રભા નાની ઉંમરે સ્ત્રીઓના ભવિષ્ય વિશે ચિંતિત થઈ ગઈ. તેમણે માત્ર પોતાના શિક્ષણ પર જ નહીં, પરંતુ ગામની અન્ય છોકરીઓના શિક્ષણ પર પણ ધ્યાન આપ્યું.

13 વર્ષની ઉમરે છોકરીઓ માટે સ્કૂલ ખોલી

13 વર્ષની ઉંમરે ચંદ્રપ્રભા સૈકિયાનીએ તેમના ગામની છોકરીઓ માટે પ્રાથમિક શાળા ખોલી. એક 13 વર્ષની છોકરી સ્કૂલ ટીચર બની. આવા યુવાન શિક્ષકને જોઈને શાળા નિરીક્ષક પ્રભાવિત થઈ ગયા. ચંદ્રપ્રભાને પ્રોત્સાહિત કરવા માટે તેમણે નૌગાંવ મિશન સ્કૂલનું સ્ટાઈપેન્ડ આપ્યું. તે દિવસોમાં શિક્ષણના સ્તરે છોકરીઓ સાથે ભેદભાવ થતો હતો જેની સામે ચંદ્રપ્રભાએ અવાજ ઉઠાવ્યો હતો.

પરદા પ્રથા સામે ઉઠાવ્યો અવાજ

બાળપણમાં શિક્ષક બન્યા બાદ ચંદ્રપ્રભા મોટા થઈને સામાજિક કાર્યકર બન્યા. કિરોન્મયી અગ્રવાલની મદદથી તેમણે વર્ષ 1920-21માં તેઝપુરમાં મહિલા સમિતિની રચના કરી. આ દરમિયાન એક મિટિંગ યોજાઈ જેમાં મહિલાઓ અને પુરૂષો બન્નેએ ભાગ લીધો. જોકે આ બેઠકમાં મહિલાઓ પરદા પાછળ અલગ બેઠી હતી.

ચંદ્રપ્રભા સૈકિયાની જેઓ અત્યાર સુધી મહિલા શિક્ષણને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરતા હતા. તેમને આ જોઈને નવાઈ લાગી. તેમણે સ્ટેજ પર ઉભા થઈને મહિલાઓને કહ્યું કે, તમે પરદા પાછળ કેમ બેઠી છો. સ્ત્રીઓ ચંદ્રપ્રભાની હાકલથી પ્રભાવિત થઈ અને વાંસની દીવાલ તોડીને સામે બેસી ગઈ. મહિલાઓને પરદાની પ્રથામાંથી મુક્ત કરવાની દિશામાં ચંદ્રપ્રભા સૈકિયાનીનું આ એક મહત્વપૂર્ણ અને પ્રથમ પગલું હતું.

એટલું જ નહીં, એવું કહેવાય છે કે ચંદ્રપ્રભા સૈકિયાનીના લગ્ન નાની ઉંમરે એક વૃદ્ધ સાથે થઈ ગયા હતા. તે દિવસોમાં આ સામાન્ય હતું, પરંતુ તેમણે આ લગ્નની ના પાડી દીધી હતી, જે કોઈપણ છોકરી માટે એક મોટો અને સાહસિક નિર્ણય ગણી શકાય. તેઓ ખૂબ જ હિંમતવાન સ્ત્રી હતા.

સાયકલ યાત્રા કરનારી રાજ્યની પ્રથમ મહિલા

ચંદ્રપ્રભા સૈકિયાની માટે અન્ય એક કિસ્સો પણ પ્રચલિત છે કે, તેમણે લોકોને સ્વતંત્રતા ચળવળ વિશે જાગૃત કરવા માટે રાજ્યભરમાં સાયકલ ચલાવી હતી. આવું કરનાર તેઓ રાજ્યની પ્રથમ મહિલા હતા.

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *