જાણવા જેવું: શું તમે જાણો છો કે તામિલ ફિલ્મમાં વપરાયેલો શબ્દ ‘જય ભીમ’ ક્યારથી પ્રચલિત છે, કોણે આપ્યો આ નારો?

 જાણવા જેવું: શું તમે જાણો છો કે તામિલ ફિલ્મમાં વપરાયેલો શબ્દ ‘જય ભીમ’ ક્યારથી પ્રચલિત છે, કોણે આપ્યો આ નારો?
Share

જ્યારથી તામિલ ફિલ્મ ‘જય ભીમ’ આવી છે ત્યારથી તે ચર્ચામાં રહી છે. આ ફિલ્મમાં સાઉથ સુપરસ્ટાર સૂર્યા એક આદિવાસી દલિત મહિલાને ન્યાય અપાવવા માટે સંઘર્ષ કરતા જોવા મળી રહ્યા છે. પરંતુ શું તમને ખ્યાલ છે કે ‘જય ભીમ’ એક માત્ર શબ્દ કે અભિવાદન નથી. આંબેડકર આંદોલનના કાર્યકર્તાઓ આ શબ્દને આંદોલનનો પ્રાણ ગણે છે. ‘જય ભીમ’ શબ્દની અભિવાદન માટેના ઉચ્ચારથી લઈ ક્રાંતિ સુધીની સફર પણ રોચક છે. મહરાષ્ટ્રમાં જન્મેલો આ શબ્દ આજે ભારતભરમાં પ્રખ્યાત થયો છે અને લોકજીભે ચઢ્યો છે.

‘જય ભીમ’ નારો કોણે આપ્યો?

યુવા પત્રકાર ઉમેશ અમીને જણાવ્યું કે, વર્ષ 1935માં આંબેડકર આંદોલનના એક કાર્યકર બાબુ હરદાસે ‘જય ભીમ’નો નારો આપ્યો હતો. ‘જય ભીમ’ નારો બાબુ હરદાસે જ આપ્યો હોવાની નોંધ રામચંદ્ર ક્ષીરસાગર લિખિત ‘દલિત મૂવમેન્ટ્સ ઈન ઈન્ડિયા ઍન્ડ ઈટ્સ લીડર્સ’ નામના પુસ્તકમાં છે.

બાબુ હરદાસે કામઠી અને નાગપુર વિસ્તારના કાર્યકરોનું સંગઠન બનાવ્યું હતું. તેમણે એ સંગઠનના કાર્યકરોને સૂચના આપી હતી કે એકમેકનું અભિવાદન કરતી વખતે નમસ્કાર કે રામરામ બોલવાને બદલે ‘જય ભીમ’ બોલવું અને તેનો પ્રત્યુત્તર પણ ‘જય ભીમ’ બોલીને જ આપવો.

‘જય ભીમ’ શા માટે બોલાય છે?

યુવા પત્રકાર ઉમેશ અમીને જણાવ્યું કે, આંદોલનના કાર્યકરો એકમેકને ‘જય ભીમ’ કહેતા હતા અને કેટલાક કાર્યકર તો સીધા ડૉ. આંબેડકરને જ ‘જય ભીમ’ સંબોધન કરતા હતા. બાબાસાહેબ આંબેડકરનું નામ ભીમરાવ રામજી આંબેડકર હતું. તેમના નામનું લઘુ સ્વરૂપ બનાવીને તેમનો જયજયકાર કરવાની પરંપરા મહારાષ્ટ્રમાં શરૂ થઈ અને ધીમે-ધીમે સમગ્ર દેશમાં ‘જય ભીમ’ શબ્દ ફેલાયો.

‘જય ભીમ’ એક શબ્દ નહીં પરંતુ ઓળખ

યુવા પત્રકાર ઉમેશ અમીને જણાવ્યું કે, ‘જય ભીમ’નો નારો દેશભરમાં પ્રસરતા તે માત્ર શબ્દ ન રહેતા એક ઓળખ બની ગયો છે. ‘જય ભીમ’નો નારો સંઘર્ષના પ્રતિક સાથે ક્રાંતિની વ્યાપક ઓળખ બન્યો. આ શબ્દનો અર્થ છે કે હક માટે લડવા કે સંઘર્ષ કરવા હું તૈયાર છું.

તેમણે ઉમેર્યું કે, સૂર્યાની ફિલ્મમાં ક્યાંય ‘જય ભીમ’ શબ્દ સીધો વાપરવામાં આવ્યો નથી, પરંતુ તેમાં સંગઠિત થાઓ અને સંઘર્ષ કરોનો સંદેશો આપવામાં આવ્યો છે. ફિલ્મમાં ‘જય ભીમ’ નારાને ક્રાંતિ અને સંઘર્ષના પ્રતીકરૂપે દર્શાવાયો છે.

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *