ઠગાઈ-માર્ટ….?: ગ્રાહકો સાથે આચરી છેતરપિંડી, આ રીતે પકડાઈ, વાંચો શું છે સમગ્ર મામલો

 ઠગાઈ-માર્ટ….?: ગ્રાહકો સાથે આચરી છેતરપિંડી, આ રીતે પકડાઈ, વાંચો શું છે સમગ્ર મામલો
Share

અમદાવાદ સહિત દેશભરમાં ડી-માર્ટના હજારો સ્ટોર છે અને લોકો ઘરવખરી સહિતની તમામ ચીજવસ્તુઓ ડી-માર્ટમાંથી ખરીદી કરે છે. ત્યારે હવે ડી-માર્ટ દ્વારા ગ્રાહકો સાથે છેતરપિંડી થઈ રહ્યો હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. શહેરના સેટેલાઈટ વિસ્તારમાં આવેલા ડી-માર્ટમાં વેચાણમાં મૂકવામાં આવેલા પેકેટ પર નિયમ અનુસાર વિગતો ન હોવાથી ગ્રાહકો સાથે છેતરપિંડી થતી હોવાની ફરિયાદ મળી હતી. જે બાદ અધિકારીઓએ તપાસ કરતાં ફરિયાદમાં તથ્ય હોવાનું સામે આવ્યું હતું અને તોલમાપ વિભાગ દ્વારા 90 હજાર રૂપિયાનો દંડ ફંટકારવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, તોલમાપ અને પેકેજિંગ સહિતના નિયમોના ભંગ બદલ છેલ્લા દોઢ વર્ષમાં મેટ્રોલોજી વિભાગ દ્વારા 44 કરોડ રૂપિયાનો જંગી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

ડી-માર્ટમાં જે પેકેટનું વેચાણ થઈ રહ્યું હતું તેના પર લિગલ મેટ્રોલોજી એક્ટ 2009 અને પેકેજિંગ કોમોડિટી રૂલ 2011 મુજબ જે પણ જરૂરી નિર્દેશ હોવા જોઈએ તે નહોતા. તે બાદ ગ્રાહકો સાથે છેતરપિંડી થઈ રહી હોવાની ફરિયાદ મળી હતી. તપાસ કરતાં ફરિયાદ સાચી હોવાનું ખૂલતાં દંડ ફટકારાયો હતો અને તે તાત્કાલિક ભરવાનો આદેશ અપાયો હતો. આ સિવાય ડી-માર્ટને નિયમોના આધારે પેકેજિંગ કરવાની સૂચના અપાઈ હતી.

લિગલ મેટ્રોલોજીના નિયામક ચંદ્રેશ કોટકે જણાવ્યું હતું કે, ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા કોઈ પણ પ્રકારના એકમો સામેની ફરિયાદ નોંધાશે તો વિભાગ તરત જ તપાસ કરશે અને તથ્ય જણાશે તો કડક પગલા લેવામાં આવશે. 2020-21માં 1,79,676 અને ચાલુ વર્ષે સપ્ટેમ્બર મહિના સુધીમાં 72,938 એકમોની તપાસ કરાઈ હતી. જેમાં 2020-21માં 9,744 અને 2021માં 3,338 એકમો સામે કાયદેસરની કાર્યવાહી થઈ હતી. જેમાં અનુક્રમે 30.72 કરોડ અને 13.86 કરોડનો દંડ લેવાયો હતો.

જે એકમોમાં ગ્રાહકો સાથે છેતરપિંડી અને નિયમભંગ બદલ તપાસ કરાઈ હતી તેમાં પેટ્રોલ પંપ, પુરવઠા વિભાગના ગોડાઉન, સસ્તા અનાજની દુકાનો, સોના-ચાંદીની દુકાનો, ફરસાણની દુકાનો, ડેરી પાર્લરનો સમાવેશ થાય છે.

Umesh Amin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *