અનોખું કોમ્બિનેશનઃ ગુજરાતના આ શહેરમાં મળી રહ્યા છે ‘ઓરિયો ભજીયા’, બાળકો સહિત મોટાઓને પણ પડી જશે મજા

 અનોખું કોમ્બિનેશનઃ ગુજરાતના આ શહેરમાં મળી રહ્યા છે ‘ઓરિયો ભજીયા’, બાળકો સહિત મોટાઓને પણ પડી જશે મજા
Share

આજકાલ લોકોનું જે મન કરે તે કોમ્બિનેશનમાં ખાવાનું કંઈપણ બનાવી લેતા હોય છે. સોશિયલ મીડિયાની દુનિયામાં હાલનાં સમયમાં કોઈને કોઈ એવા ફુડ જરૂર વાયરલ થાય છે જે પોતાનાં અનોખા કોમ્બીનેશનનાં લીધે ચર્ચાનો વિષય બની જાય છે.

અત્યાર સુધીમાં તમે ઘણા પ્રકારનાં ભજીયા ખાધા હશે. મેથીના ગોટા, મરચાના ભજીયા, બટાટાવડા, દાળવડા વગેરેના ટેસ્ટ કર્યા હશે. પરંતુ તમને એમ કહેવામાં આવે કે ઓરિયો બિસ્કીટના ભજીયા મળે છે તો? પહેલાં તો તમને વિશ્વાસ નહીં આવે, પણ આ વાત સાચી છે.

અમદાવાદના બોપલ વિસ્તારમાં રોકડિયા ભજીયા નામની એક દુકાન પર આ ભજીયા વેચવામાં આવી રહ્યા છે. ઓરિયો બિસ્કીટના ભજીયા અન્ય ભજીયાની જેમ ચટાકેદાર નહીં પણ સ્વાદમાં ગળચટ્ટા હોય છે. તેની સાથે ગ્રાહકોને કડી નહીં પણ ખજૂરની ચટણી પિરસવામાં આવે છે. જે લોકો આ ભજીયા એક વખત ખાઈને જાય છે તે ફરી પાછો તેનો સ્વાદ ચાખવા અહીં જરૂર આવે છે.

ભજીયાનો વ્યવસાય કરનાર નિકુંજભાઈએ જણાવ્યું કે, એક દિવસે ઘરમાં વાતચીત દરમિયાન બાળકોએ કહ્યું કે, બિસ્કીટના ભજીયા હોય તો મજા આવી જાય. નિકુંજભાઈ પટેલે આ વાત પકડી પાડી અને ત્યારબાદ ઓરિયાન બિસ્કીટના ભજીયા બનાવવાનું શરૂ કર્યું.

લોકોને પહેલાં એમ લાગતુ કે ઓરિયો બિસ્કીટના ભજીયા તો કંઈ હોતા હશે. પણ જેમ જેમ લોકોને ખબર પડવા લાગી તેમ તેમ લોકો ઓરિયો ભજીયા માગવા લાગ્યા. લોકોને પણ મજા આવવા લાગી. નિકુંજભાઈ માને છે કે, ગ્રાહકોને ક્વોલિટી મળી રહે એ જ અમારો હેતુ છે.

નિકુંજભાઈ ઓરિયો ભજીયાની સાથો સાથ ભરેલા મરચાના ભજીયા, લસણિયા ભજીયા, ખજૂરના ભજીયા, ટામેટાના ભજીયા, વાટીદાળના ભજીયા, બટાટાવડા, બટાટાના ચિપ્સના ભજીયા વગેરે પણ બનાવીને પણ વેચાણ કરે છે. આ સિવાય નિકુંજભાઈનું કહેવું છે કે, જે રીતે ઓરિયા બિસ્કીટના ભજીયા બનાવવાનું શરૂ કર્યુ એ જ રીતે ભવિષ્યમાં બીજી કોઈ ચીજવસ્તુનો ઉપયોગ કરીને ભજીયાની નવી રીત પણ વિકસાવવાનો પ્રયાસ કરીશું.

હાલમાં રાજ્યમાં શિયાળો ચાલી રહ્યો છે પરંતુ છેલ્લા ત્રણેક દિવસથી માવઠાના કારણે જે વાતાવરણ બન્યું છે તે કંઈ ચોમાસાથી કમ નથી અને વળી ભજીયા તેમજ વરસાદ વચ્ચે તો ખુબ જુનો સંબંધ છે. ત્યારે જો તમે હાલના સમયમાં કંઈક નવું ખાવાનું વિચારી રહ્યા હોય તો ઓરિયા ભજીયા જરૂરથી બનાવજો અને તમારા બાળકોને પણ ખવડાવજો તેમને ખૂબ જ મજા આવશે.

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *