સુરતઃ ભાજપ કાર્યાલય બહાર વિરોધ કરવા આવેલા આપના પ્રદેશ અધ્યક્ષ સહિત કાર્યકર્તાઓને ઢોર માર મરાયો

 સુરતઃ ભાજપ કાર્યાલય બહાર વિરોધ કરવા આવેલા આપના પ્રદેશ અધ્યક્ષ સહિત કાર્યકર્તાઓને ઢોર માર મરાયો
Share

સુરત પાલિકામાં વિરોધ કરી રહેલા આપના કોર્પોરેટર સહિતના કાર્યકર્તાઓને ગતરોજ પોલીસ અને માર્શલોએ બહાર કાઢ્યા હતા. આ દરમિયાન એક કોર્પોરેટરનું ગળું દબાવ્યું હતું અને એક મહિલા કોર્પોરેટરના કપડાં પણ ફાડી નાખ્યા હતા. જેને પગલે આમ આદમી પાર્ટી દ્વારા આજે ભાજપ કાર્યાલય ખાતે વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન આપ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. આપના પ્રદેશ અધ્યક્ષ ઈટાલિયા સહિતના કાર્યકરોને માર મારવામાં આવ્યો હતો.

સુરત ભાજપ કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો દેખાવો કરવા આવવાના છે તેવી જાહેરાત બાદ ભાજપ કાર્યાલય બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. ભાજપ કાર્યાલય પર આવતા આપના કાર્યકરોને પોલીસે રોક્યા હતા.

આપેલા સમય કરતાં એક કલાક પછી આમ આદમી પાર્ટીના કાર્યકરો રેલી સ્વરૂપે આવ્યા હતા. ભાજપ કાર્યાલય બહાર જ મુકેલી પોલીસવાનમાં તેમને બેસાડી દેવામાં આવ્યા હતા. જોકે કેટલાક આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પોલીસની પકડમાંથી છૂટીને ભાજપ કાર્યાલય પર જવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે ભાજપ કાર્યાલય પર ઉભેલા ભાજપના કાર્યકરો તેમની સામે ધસી ગયા હતા.

પોલીસ આમ આદમી પાર્ટીના કાર્યકરોને પકડે તે પહેલા પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડીયાને ભાજપના કાર્યકરોએ માર માર્યો હતો અને કપડાં ફાડી નાખ્યા હતા.આ સિવાય આપના પ્રદેશ અધ્યક્ષ પ્રમુખ ગોપાલ ઇટાલીયા સાથે પણ ભાજપના કાર્યકરોએ ટપલીદાવ કર્યો હતો.

આ વિરોધ પ્રદર્શન વચ્ચે ભાજપના કાર્યકરોએ ભારત માતાકી જય અને ખાલિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા. ભાજપ કાર્યાલય પર વિરોધ પ્રદર્શન કરવા માટે આવેલા આમ આદમી પાર્ટીના કાર્યકરોને પોલીસની હાજરીમાં ભાજપના કાર્યકરોએ માર મારતા વિવાદ વકર્યો છે.

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *