નારી શક્તિઃ 6 માસની દિકરીને છાતી સરસી ચાંપી મહિલાએ કોરોના સામેની લડતમાં ઝંપલાવ્યું

કોરોના સામેની જંગમાં આરોગ્યકર્મીઓનું યોગદાન અતુલ્ય રહ્યું છે. આવા જ એક રાજકોટના કર્મનિષ્ઠ આરોગ્ય કર્મી અસ્મિતાબેન કોલડીયા લોકોને કોરોનાથી બચાવવા માટે વેક્સિનેશનની કામગીરી ખુબ ઉત્તમ રીતે કરી રહ્યા છે.
રાજકોટ તાલુકાના સરધાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના લોધીડા સબસેન્ટરના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર અસ્મિતાબેન કોલડીયા કોરોના વિરોધી રસીકરણની કામગીરી સાથે સંકળાયેલા છે. તેમને 6 માસની દીકરી છે. જેના ઉછેરની જવાબદારી અસ્મિતાબેનના શિરે છે.
પોતાની આ અંગત જવાબદારીની પરવા કર્યા વિના અસ્મિતાબેને જાહેર જનતાની સુખાકારીને પ્રથમ પ્રાથમિકતા આપતાં પોતાના સંતાનને સાથે રાખીને ગામે-ગામ કોરોના વિરોધી રસી મુકવા જાય છે. માત્ર છ જ માસના સંતાનની સુરક્ષાની તમામ સંભાળ લઈને અસ્મિતાબેન પોતાની કામગીરી બજાવે છે.
છ મહિનાની માસૂમ દીકરીને પોતાની છાતી સરસી ચાંપીને રસીકરણ અભિયાનમાં જોરશોરથી પોતાનું યોગદાન આપનાર અસ્મિતાબેન કોલડીયાએ જણાવ્યું કે, હું કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે છેલ્લા બે વર્ષથી ફરજ બજાવું છું. જેમ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ તેના બાળકને લઇને યુદ્ધના મેદાનમાં ઉતર્યા હતા તેવી જ રીતે હું પણ મારી 6 માસની બાળકીને લઈને કોરોના સામેની લડતમાં નિષ્ઠાથી મારી ફરજ બજાવું છું અને આ કાર્યથી હું ખૂબ જ ખુશ છું.