જલિયાવાલા બાગ કરતા પણ મોટો નરસંહારઃ ગુજરાત સરહદે માનગઢ હત્યાકાંડની 108મી વરસી, 1500થી વધુ લોકોએ ગુમાવ્યો હતો જીવ

 જલિયાવાલા બાગ કરતા પણ મોટો નરસંહારઃ ગુજરાત સરહદે માનગઢ હત્યાકાંડની 108મી વરસી, 1500થી વધુ લોકોએ ગુમાવ્યો હતો જીવ
Share

અંગ્રેજોએ ગુલામી દરમિયાન ભારતીયો પર ખૂબ જ અત્યાચાર ગુજાર્યો હતો. જેમાં જલિયાવાલ બાગ હત્યાકાંડથી સૌ કોઈ પરિચિત છે. પરંતુ શું તમે એ જાણો છો કે ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલા માનગઢમાં જલિયાવાલા બાગથી પણ મોટો નરસંહાર થયો હતો.

કહેવામાં આવે છે કે જલિયાવાલા બાગ હત્યાકાંડમાં એક હજારથી વધુ લોકો અંગ્રેજોની ગોળીઓના ભોગ બન્યા હતા. તેની સામે માનગઢ નરસંહારમાં દોઢ હજારથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. સાહિત્યકાર અને ઈતિહાસકારોના મતે આ હત્યાકાંડ જલિયાવાલા બાગથી મોટો નરસંહાર હોવા છતા ઈતિહાસમાં આને મહત્વનું સ્થાન મળ્યું નથી.

રાજસ્થાનની રાજધાની જયપુરથી લગભગ 550 કિલોમિટર દૂર આદિવાસી વિસ્તાર બાંસવાડા જિલ્લાના મુખ્યમથકથી 80 કિલોમિટર દૂર આવેલું છે માનગઢ. 108 વર્ષ પહેલાં અહીં થયેલા નરસંહારનો સાક્ષી બનેલો આ ડુંગર આજેય તેની યાદને સમાવીને ઊભો છે. લોકો હવે તેને માનગઢ ધામના નામે બોલાવે છે.

કેમ સર્જાયો માનગઢ નરસંહાર ?

સ્વામી ગોવિંદ ગુરુ દ્વારા તેમના અનુયાયીઓને કાર્તિક મહિનામાં યોજાતા ધાર્મિક મેળામાં એકઠા થવા માટે સંદેશો મોકલાવવામાં આવ્યો હતો. જેને પગલે જલિયાંવાલા બાગ હત્યાકાંડનાં છ વર્ષ પહેલાં 17 નવેમ્બર 1913ના રોજ ગુજરાત-રાજસ્થાન સરહદ પર મોટી સંખ્યામાં આદિવાસીઓ એકઠા થયા હતા.

મોટી સંખ્યામાં લોકો એકઠા થતા અંગ્રેજી શાસકોને લાગ્યું કે લોકો બળવો કરવાની યોજના બનાવી રહ્યા છે. જેને પગલે અંગ્રેજોએ માનગઢની ટેકરીને ઘેરી ત્યાં ગોળીઓ વરસાવવાની શરૂ કરૂ હતી. આ નરસંહારમાં 1507 લોકોનાં મૃત્યું થયા હતા અને 900 જેટલા લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા.

આ નરસંહારને સ્વીકારવામાં સરકારે પણ વિતાવ્યો ઘણો સમય

આ ઘટનાને 80 વર્ષ વિત્યા ત્યાં સુધી કોઈને તેની યાદ ન આવી પરંતુ આખરે 27 મે, 1999ના રોજ અહીં શહીદ સ્મારક અને સંગ્રાહલય બનાવવામાં આવ્યા. આ માનગઢ હત્યાકાંડને સ્વીકારવામાં સરકારે પણ ઘણો સમય વિતાવી દીધો. પરંતુ જંગલોની વચ્ચે આવેલા આ માનગઢના પહાડો પર 108 વર્ષ પહેલા જે બનાવ બન્યો તેનો અંદાજો ત્યાં જઈને જ સમજી શકાય.

તમને જણાવી દઈએ કે, આ માનગઢની ટેકરી ઉપર શહીદોના માનમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગોવિંદ ગુરુ સ્મૃતિવન બનાવી આ ઈતિહાસને ઉજાગર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી તેમજ 1507 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.

ગોવિંદ ગુરુની યાદમાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની સ્થાપના 2015માં ગુજરાતના ગોધરામાં થઈ હતી. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2019માં માનગઢ ધામ નેશનલ મેમોરિયલ ખરડો પણ સંસદમાંથી પસાર કરવામાં આવ્યો છે, જેથી આ આખા ઘટનાક્રમને ઈતિહાસના એક પૃષ્ઠ પર સ્થાન મળે.

કોણ હતા ગોવિંદ ગુરુ?

શ્રી ગોવિંદ ગુરુએ ભીલોની સ્થિતિને બચાવવા માટે આંદોલન ચલાવ્યું. જેમાં તેમણે ભીલોને માંસ, મદિરા અને દારૂના સેવનથી દૂર કરી ઈશ્વર ભક્તિના માર્ગે લાવવા શરૂઆત કરી. જેને લઈ માનગઢ ડુંગર પર તેમણે ધૂણી ધખાવી. સમાજ સુધારણાના પગલે વર્ષ 1903થી 1907 સુધી સળંગ 5 વર્ષ સુધી અહીં મેળાનું આયોજન કરાયું. આ સિવાય અહીં અવારનવાર સંપ સભાનું આયોજન પણ કરવામાં આવતું હતું. તેમની આ ઝુંબેશને ‘ભગત આંદોલન’ પણ કહેવામાં આવે છે.

જનજાગૃતિનું એ અભિયાન આગળ વધવા લાગ્યું હતું. દેશી રજવાડાંને લાગ્યું કે ગોવિંદગુરુની આગેવાનીમાં આદિવાસીઓ અલગ રાજ્યની માગણી કરી રહ્યા છે. તે પછી સ્થિતિ બદલવા લાગી અને થોડાં વર્ષો પછી 17 નવેમ્બર, 1913ના રોજ માનગઢ ડુંગર પર નરસંહાર થયો.

હત્યાકાંડ બાદ ગોવિંદ ગુરુ સહિત સેંકડો ભીલોની ધરપકડ કરવામાં આવી હતી. 11મી ફેબ્રુઆરી, 1914ના રોજ એક વિશેષ અદાલતે તેમને સંતરામપુર અને બાંસવારા રાજ્યો વિરુદ્ધ યુદ્ધ કરવા માટે દોષિત ઠેરવ્યા અને ગોવિંદ ગુરૂને આજીવન કેદની સજા ફટકારવામાં આવી. તેમની લોકપ્રિયતા અને સારા વર્તનને કારણે તેમને 1919માં જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *